સાંધાના દુઃખાવા માટે જવાબદાર આર્થ્રાઇટીસ વિશે વધારે જાણો…
આર્થ્રાઇટીસ એટલે શું ?
આર્થ્રાઇટીસ એટલે સાંધા નો દુઃખાવો અથવા સોજો. આર્થ્રાઇટીસ ઘણાં પ્રકારનાં હોય છે. તેના ત્રણ મુખ્ય પ્રકારો છે.
૧. ઉંમરનાં કારણે થતો ઘસારો : ઉંમર વધવાની સાથે ઘસારો વધતા સાંધાનો દુઃખાવો થાય છે. આ તકલીફ ઘૂંટણ, થાપા અને કમરના સાંધામાં વધારે જોવા મળે છે.
૨. સંધિવા : આ એક ઓટોઇમ્યુન રોગ છે જે જુદાં જુદાં સાંધાને અસર કરે છે.
૩. ગઠીયો વા : જેમાં શરીરમાં અમુક તત્વોનું પ્રમાણ વધી જવાથી સાંધામાં દુઃખાવો થાય છે અને સોજો આવે છે.
ઘસારો થવાનાં કારણે જે મજ્જા હાડકાની આજુબાજુ આવેલી છે તેમાં પાણી ભરાવાનું ચાલુ થાય છે, નાની નાની તીરાડો બને છે અને હાડકાની સપાટી પર નાની હાડકીઓ (ઓસ્ટીઓફાઇટસ) બને છે. આના કારણે સાંધાના હલનચલનમાં તકલીફ થાય છે. ઘણીવાર મજ્જાનો નાનો ભાગ સાંધાની અંદર આવી જાય છે અને વધારે દુઃખાવો કરે છે. મજ્જાનો ઘસારો વધારે ને વધારે થવાથી, સાંધાનો ભાગ વધારે નાનો થાય છે અને હાડકા-હાડકાની સપાટીને ઘસારો પહોંચે છે, સપાટી ખરબચડી થતાં પગ વળતો નથી.
રોગનાં લક્ષણો
ઢીંચણ પર સોજો આવવો, દુઃખાવો થવો, પગ ન વળવો, હલન-ચલન ઓછું થઇ જવું, હલન ચલન દરમિયાન સાંધામાં અવાજ આવવો, એક પગ નાનો થઇ જવો.
સારવાર
સમયસર નિદાન અને સારવાર કરવાથી સાંધાનો ઘસારો આગળ વધતો અટકે છે અને દુઃખાવો/સોજો ઓછો થાય છે.
(૧) કન્ઝર્વેટીવ ટ્રીટમેન્ટ
દવાઓ, કસરત, યોગ્ય આહાર
(૨) ઓપરેશન
- જો દવાઓ / કસરત કર્યા પછી પણ દુઃખાવો ચાલુ રહેતો હોય
- દુઃખાવો અસહ્ય હોય
- રાત્રે ઉંઘી શકાતું ન હોય
- રોજબરોજથી પ્રવૃત્તિ જેવી કે ઉભા રહેવામાં ચાલવામાં તકલીફ પડતી હોય
ટોટલ ની રિપ્લેસમેન્ટ
આ એક એવું ઓપરેશન છે જેમાં ખરાબ થઇ ગયેલો સાંધાનો અમુક ભાગ દૂર કરી, એની જગ્યાએ ધાતુ-પ્લાસ્ટીકનો સાંધો બેસાડવામાં આવે છે. આ કૃત્રિમ સાંધો કુદરતી સાંધાની માફક હલનચલન કરી શકે છે.
ઢીંચણનાં સાંધાનાં ત્રણ ભાગ હોય છે
- થાપાનાં હાડકાનો નીચેનો ભાગ
- નળાનાં હાડકાનો ઉપરનો ભાગ
- ઢાંકણી
આ ઓપરેશનમાં બંને હાડકાની ખરાબ થઇ ગયેલી સપાટીઓને કાઢી નાંખવામાં આવે છે અને જરૂર પડે તો ઢાંકણીની પાછળની સપાટી પણ કાઢી નાંખવામાં આવે છે આ પછી કૃત્રિમ સાંધો બેસાડવામાં આવે છે.
ઓપરેશન થી થતાં ફાયદા
- દુઃખાવો મટી જાય
- સાંધાનું હલન ચલન થવાથી હરીફરી શકાય
- વાંકો વળેલો કે નાનો થયેલો પગ બરાબર થઇ જાય છે
- પહેલા ન થઇ શકતી બધી જ પ્રવૃત્તિઓ કરી શકાય
આપરેશન કર્યા પછી બીજા દિવસથી કસરત ચાલુ કરી શકાય તથા પગ પર વજન મૂકી ચાલી શકાય, રોજીંદી દૈનિક પ્રવૃત્તિ થઇ શકે.