યુરોઓન્કોલોજી શું છે ?
યુરો એટલે મુત્રમાર્ગને લગતું, ઓન્કોલોજી એટલે કેન્સરને લગતું. મૂત્રમાર્ગના કેન્સરના રોગ તથા તેની સારવારને લગતું તબીબી વિજ્ઞાન એટલે યુરોઓન્કોલોજી.(બ્લેડર, કીડની, પ્રોસ્ટેટ ના કેન્સર)
યુરિનરી બ્લેડર કેન્સર (મૂત્રાશયનું કેન્સર)
સામાન્ય રીતે ૬૦ વર્ષની ઉંમર પછી જોવા મળે, પરંતુ નાની વયમાં પણ થઇ શકે છે. ધુમ્રપાન(સ્મોકીંગ)એ ઘણું અગત્યનું કારણ છે. દર્દીઓ સામાન્ય રીતે આ ઉંમરે ઓપરેશન માટે ના પાડે છે, પરંતુ હકીકત એ છે કે સર્જરી થી સંપૂર્ણ કેન્સર કાઢી શકાતું હોય તો કેન્સર માટેની સર્જરી કોઇપણ ઉંમરે (જીવનના આઠમાં દાયકામાં પણ) થઇ શકે છે. રોગનાં લક્ષણાu શરૂઆતના તબક્કામાં દુઃખાવો થયા વગર પેશાબમાં લોહી આવવું તે મુખ્ય લક્ષણ છે. કેટલાક કેસમાં પેઢુમાં દુઃખાવો કે પેશાબમાં સતત બળતરા થાય છે. જ્યારે રોગ શરીરમાં ફેલાઇ જાય પછી બંને પગે સોજા આવવા, હાડકામાં દુઃખાવો, પેઢુના ભાગમાં અસહ્ય દુઃખાવો, વજન ઘટવું, ભુખ ન લાગવી વગેરે થઇ શકે છે.
સ્ટેજ અને સારવારઃ ગાંઠનું સ્ટેજ, ગાંઠ કેટલી મૂત્રાશયની દિવાલની અંદર પ્રસરેલી છે તેના પર આધારીત છે. પ્રથમ સ્ટેજનું કેન્સર લો ગ્રેડ તથા હાઇ ગ્રેડનું હોય છે. લોગ્રેડ કેન્સરમાં દુરબીનથી સારવાર શક્ય બને છે. હાઇ ગ્રેડમાં દુરબીનથી સારવાર કર્યા પછી મૂત્રાશયમાં બીસીજીની દવા આપવામાં આવે છે. લો ગ્રેડ કેન્સર વારંવાર થઇ શકે છે.જ્યારે હાઇ ગ્રેડ કેન્સર વારંવાર થવાની સાથે જલ્દી ફેલાઈ જાયછે. જો પહેલા તબક્કામાં હાઇ ગ્રેડ કેન્સરની ગાંઠ ૩ સે.મી.થી મોટી અથવા વારંવાર થતી હોય તો ઓપરેશન અનિવાર્ય છે. બીજા સ્ટેજમાં ગાંઠ મૂત્રાશયની દીવાલના સ્નાયુમાં પ્રસરે છે. તે હંમેશા હાઇ ગ્રેડ જ હોય છે. તેના માટે ઓપરેશન કરી મૂત્રાશયની થેલી (રેડિકલ સિસ્ટેક્ટોમી) કાઢવામાં આવે છે. ઓપરેશન બાદ પેશાબનો રસ્તો બે પ્રકારે બનાવી શકાય છે.
(૧) પેટની દીવાલના ભાગ (iIeal conduit) અને
(૨) મૂત્રાશયની નવી થેલી (Neobladder)
નિયોબ્લેડરનો ફાયદો એ છે કે દર્દી મૂત્ર નલિકા મારફતે યુરિન કરી શકે છે. ત્રીજા સ્ટેજમાં કેન્સર મૂત્રાશયની દિવાલની બહાર ફેલાય છે. જેના માટે કિમોથેરાપીના બે થી ત્રણ સેશન આપ્યા પછી ઓપરેશન કરવામાં આવે છે. ચોથા સ્ટેજના કેન્સર શરીરમાં ફેલાય છે જેના માટે સામાન્ય રીતે કિમોથેરાપી અપાય છે. જો કેન્સર પ્રથમ સ્ટેજમાં નિદાન થઇને યોગ્ય સારવાર કરવામાં આવે તો તેના પરિણામ ૯૦ ટકાથી પણ વધુ સારા મળે છે. જો શરૂઆતના તબક્કામાં યોગ્ય સારવાર ન મળે તો કેન્સરનો રોગ શરીરમાં ફેલાઈ જાય તથા પેશાબમાંથી લોહીના ગઠ્ઠા પડે અને દર્દીનું જીવન જોખમમાં મુકાય છે.