Select Page

આપણાં  શરીરમાં  પંચેન્દ્રીયો  ઉપરાંત  ફકત ફેફસાં  જ  એવા  અવયવ  છે  કે  જે  વાતાવરણના સીધા  જ  સંપર્કમાં  આવે  છે.  તેને  પરિણામે વાતાવરણની  અસર  સીધી  જ  આ  અવયવ  પર થતી  હોય  છે. તદ્‌ઉપરાંત    કેટલાંક  એલર્જીક દ્વવ્યો  જેવા  કે  ધૂળ,  ધૂમાડા,  પરાગરજ,  પક્ષી-પ્રાણીની રૂવાટી અને સીગારેટના ધૂમાડાથી આપણાં  ફેફસાં  અને  શ્વાસનળીઓ  ખરાબ થતી  હોય  છે.  તેને  પરિણામે  અસ્થમા, સી.ઓ.પી.ડી  અને  ફેફસાંના  ફાઈબ્રોસીસ જેવા  રોગો  જન્મ  લેતા  હોય  છે. જયારે  કોઈ  વ્યકિતને  ચાલતી  વખતે  કે  બેઠાબેઠા  શ્વાસની તકલીફ  જણાય  ત્યારે  સામાન્ય રીતે  આ  તકલીફે  હૃદય  ના  કોઈ  રોગ  કે ફેફસાંની  બિમારીનું  દિશાસૂચન  કરે  છે.

હૃદય  ની  બિમારીઓનું  નિદાન  ઈ.સી.જી, ઈકોકાર્ડિયોગ્રાફી કે કોરોનરી એન્જીયોગ્રાફીની  મદદથી  થઈ  શકે  છે.  જયારે ફેફસાંની  બિમારીઓનું  નિદાન  છાતીના એકસ-રે  અને  પલ્મોનરી  ફંકશન  ટેસ્ટથી કરવામાં  આવે  છે. જેવી  રીતે  તાવ  માપવા માટે  થર્મોમીટર  છે,  વાતાવરણનું  પ્રેસર જાણવા  બેરોમીટર  છે,  તેવી  જ  રીતે  ફેફસાંની ક્ષમતા  માપવા  માટેનું  સાધન  અને  ટેસ્ટનું નામ  પલ્મોનરી  ફંકશન  ટેસ્ટ  (PFT)  છે. આમ,  તો  પલ્મોનરી  ફેકશન  ટેસ્ટ (PFT) માં જે  સૌથી  સરળ  ટેસ્ટ  છે  તે  સ્પાઈરોમેટ્રીનો  છે. તેમાં  ફેફસાંની  ક્ષમતા  એક સરળ  સાધનની મદદથી  માપવામાં  આવે  છે. ટેસ્ટ  કરતી વખતે  વ્યકિતએ  સહજતાથી  બેસીને  જે પ્રમાણેની  સૂચના  અપાય  તે  પ્રમાણે  શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા કરવાની હોય છે, ટેસ્ટ માટે  એક  કાગળનું  ભૂગળુ  મોઢામાં  મૂકવામાં આવે  છે  અને  તેમાંથી  જ  શ્વાસ  લેવા-મૂકવાના હોય છે, શરૂઆતમાં ભૂંગળામાંથી સામાન્ય શ્વાસ  લેવાના  હોય  છે  પછીથી  ઊંડા  શ્વાસ લઈને  જાેરથી  ફૂંક  મારવાની  હોય  છે.  જે  તુરત જ કોમ્પ્યુટરમાં રેકોર્ડ થઈ તેનો રીપોર્ટ બને છે.  સામાન્ય  રીતે  એક  ટેસ્ટ  દરમિયાન  આવી ફૂંક  ત્રણ  થી  પાંચ-  છ  વખત  મરાવવામાં  આવે છે. જયાં સુધી વ્યકિત સંતોષકારક રીતે આ ટેસ્ટ  પરફોર્મ  કરી  ન  શકે ત્યાં  સુધી  આ ટેસ્ટ કરાવવામાં  આવે  છે. આ  ટેસ્ટમાં  દર્દીની  સમજણ  અને  સહકાર ખૂબ જ જરૂરી છે. કેમ કે જો દર્દી આ ટેસ્ટ યોગ્ય  રીતે  પરફોર્મ  કરી  ન  શકે  તો  તેના પરિણામો  ડોકટરને  ગેરમાર્ગે  દોરી  શકે  છે, એક વખત  આ ટેસ્ટ  સફળતાપૂર્વક  થઈ  જાય તે પછી જરૂર જણાયતો દર્દીએ પંપ અથવા  નેબ્યુલાઈઝર  આપ્યા પછી  આ ટેસ્ટ ફરીથી થતો  હોય  છે.  પંપથી  દર્દીની  ક્ષમતામાં  સુધારો થાય છે કે કેમ તે નકકી થતુ હોય છે અને તેના  આધારે  અસ્થમા  કે  સી.ઓ.પી.ડી  નું નિદાન  થતુ  હોય  છે. ધણી  વખત  ઓપરેશન  પહેલાં  દર્દીને એનેસ્થેસીયા  આપવા  માટે  ફેફસાંની  ફીટનેસ ચકાસણી જરૂર હોય છે. તે  માટે પણ  PFT કરાવવામાં  આવે  છે.  PFT ના એડવાન્સ ટેસ્ટ માટે DLCO અને લંગ વોલ્યુમની  તપાસ  પણ  કરવામાં  આવે  છે.  જે  ફેફસાંની  સંપૂર્ણ  કાર્યક્ષમતાનો  પરિચય આપે  છે. સીમ્સ  હોસ્પિટલમાં  PFT માટે    અલગ વિભાગ  અને  સમર્પિત,  કુશળ  PFT ટેકનિશ્યનની  ટીમ  કાયમ  આ  ટેસ્ટ  માટે હાજર  હોય  છે.  સીમ્સ  હોસ્પિટલમાં  આ  ટેસ્ટ માટેનું  અદ્યતન  મશીન  ઉપલબ્ધ  છે.